ગઝલ વાસ્તવમાં તો એક ફારસી કાવ્ય પ્રકાર છે. તેમાં પ્રેમ, વિરહ, પ્રભુભક્તિ વગેરે વિષયો મુખ્ય હોય છે. ‘ગઝલ’ અરબી - ઉર્દૂ જેમ આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ લખાય છે. ગઝલમાં બે પંક્તિઓનો એક શેર બને છે. એવા કેટલાક શેર મળીને આખી કૃતિ રચાય છે. તેનો પહેલો શેર મત્લા અને છેલ્લો શેર મકતા કહેવાય છે. સાથે – સાથે ગઝલનો દરેક શેર એક સ્વતંત્ર કાવ્યપંક્તિ છે. ગઝલની વિશેષતા એના રદીફ અને કાફિયા છે.
ગઝલમાં દરેક શેરમાં તેની બીજી પંક્તિના અંત ભાગમાં પુનરાવર્તિત થતા શબ્દ કે શબ્દોને રદીફ કહેવાય છે. તેનાથી બધા જ શેર એક જ ગઝલના છે એમ સમજાય છે.
ચાલ મજાની આંબાવાડી ગઝલમાં ‘રમીએ' શબ્દ એ ગઝલનો રદીફ છે.
ગઝલના દરેક શેરની બીજી પંક્તિના અંતે આવતા રદીફ પહેલાના પ્રાસવાળા શબ્દને કાફિયા કહે છે. બાલાશંકર કંથારિયા ગુજરાતી ગઝલના પિતા ગણાય છે.