તમે જ્યારે કંઈક વાંચો છો ત્યારે કેટલુંક જલદી જલદી સમજાઈ જાય તેવું હોય છે. પણ કેટલુંક સમજવામાં થોડુંક અઘરું લાગે છે. આવું કેમ થતું હશે? આપણે ઉદાહરણો દ્વારા એને સમજીએ:
આ વાક્યોને વાંચો.
1. અમદાવાદ મોટું શહેર છે. (સાદું-સરળ વાક્ય)
2. હું કાલે વાડીએ જઈશ અને બાપુજી શિબિરમાં જશે. (સંયુક્ત વાક્ય)
3. લાડુ વગર એકે સોમવાર ખાલી ન જવા દેનાર દેવશંકર માટે આ સોળ અઠવાડિયાં વગર લાડુએ ખેંચી કાઢવાં એ જેવીતેવી વાત ન હતી. (મિશ્ર-સંકુલ વાક્ય)
ઉપરનાં ત્રણેય વાક્યો વાંચતાં સમજાયું હશે કે, પહેલું વાક્ય સાવ સરળ છે. કારણ કે એમાં એક જ ક્રિયાપદ અને ઉદેશ (અમદાવાદ) કે વિધેય (મોટું શહેર) છે. બીજું વાક્ય ખરેખર તો બે વાક્યો ભેગાં કરીને, સંયોજક મૂકીને વાક્ય બનાવ્યું છે. એમાં એકથી વધારે ઉદ્દેશ (હું અને બાપુજી) અને વિધેય (વાડીએ અને શિબિરમાં) હોય છે. જ્યારે ત્રીજા વાક્યમાં બેથી વધારે વાક્યો એકબીજામાં ગૂંથીને એક મોટું અને જલદી ન સમજાય એવું વાક્ય બનાવ્યું છે.
આવા પ્રકારની જુદી જુદી વાક્યરચનાના આધારે વાક્યના ત્રણ પ્રકાર પાડી શકાય છે.
1. સાદું વાક્ય (સરળ વાક્ય): એમાં સામાન્ય રીતે એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ્ય - વિધેય હોય છે.
રતનપુર એક નાનકડું ગામડું છે.
દરિયામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો હતો.
બારી પરનો પડદો પવનથી સહેજ હલી ઊઠ્યો.
2. સંયુક્ત વાક્ય : એમાં બે વાક્યોને સંયોજક મૂકીને એક વાક્ય બનાવાયું હોય છે. ઉપર બીજા વાક્યમાં 'અને' સંયોજક છે. આ બંને વાક્યોને જુદાં પાડીએ, તેમાંથી સંયોજક લઈ લઈએ તો બે વાક્યો સ્પષ્ટ રીતે જુદાં પડી જાય છે. હું કાલે વાડીએ જઈશ. બાપુજી શિબિરમાં જશે. એમાં બે વાક્યો એકબીજા પર આધાર રાખતાં નથી. વાક્ય જુદાં પાડીએ તો પણ દરેક વાક્ય સમજાઈ જાય છે.
મેં કસરત કરી તેથી મારું શરીર કસાયેલું બન્યું છે.
આકાશમાં વાદળાં હતાં માટે સમયનો કશો ખ્યાલ ન રહ્યો.
ને, અને, તેથી, એટલે, માટે, તો પણ, છતાં પણ, તેમ અથવા, કે, કેમ કે, કારણ કે નહીંતર, વગેરે સંયોજકોના ઉપયોગથી સંયુક્ત વાક્ય બને છે.
3. મિશ્ર વાક્ય (સંકુલ વાક્ય): એમાં સામાન્ય રીતે એક મુખ્ય વાક્ય હોય છે અને એના પર આધારિત અન્ય ગૌણ વાક્યો એમાં જોડાયેલાં હોય છે. આ વાક્યમાં મુખ્ય વાક્યની સાથે બીજાં ગૌણ વાક્યો મળીને લાંબું વાક્ય બન્યું હોય છે. આ વાક્યોમાં જે... તે, જો... તો, જેવું... તેવું, જયારે... ત્યારે, જેમ... તેમ, જ્યાં... ત્યાં, જ્યાં સુધી... ત્યાં સુધી વગેરે સંયોજકો કે ઘણી વાર મુખ્ય વાક્યમાં 'એ', 'એટલું', 'એવું’ વગેરે પદ પણ હોય છે.
જેવી માણસની નીતિ હોય એવી જ શાંતિ એના જીવનમાં તેને ઈશ્વર આપે છે.
દુનિયા ભલે ગમે તે કહે પણ, એ મારે મન દીકરી નથી એ મારો દીકરો જ છે.
તેણે હાથમાં છાપું લીધું, આમતેમ જોયું અને બૂમ પાડી હતી તે દિશા તરફ એક નજર નાખીને વાંચવું ચાલુ રાખ્યું.