નીચેનાં વાક્યો વાંચો :
1. એ આવ્યા એટલે અમે ઊભાં થયાં.
2. સોમનાથે એમની ડાયરી ખોલી.
3. માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે.
પહેલા વાક્યમાં કોઈ ઘટના બની તેની વાત છે. ચર્ચા શરૂ થાય કે ચર્ચા ચાલે એ જેમ ઘટના છે તેમ ચર્ચા અટકે એ પણ ઘટના છે. એની જાતે સહજ અથવા કોઈ કુદરતી સંજોગો અનુસાર એ થાય. 'અટકવું' એ પ્રક્રિયા છે. બીજા વાક્યમાં સોમનાથે કોઈ ક્રિયા કરી એની વાત છે. સોમનાથે' ઈરાદાપૂર્વક, સ્વતંત્ર ઈચ્છાથી એ પ્રવૃત્તિ કરી તેથી ક્રિયા ગણાય. 'ખોલવું' એ ક્રિયા છે. ત્રીજા વાક્યમાં માધવપુરની સ્થિતિનું વર્ણન છે. વાક્યમાંનું ક્રિયાપદ 'છે' સ્થિતિનું વર્ણન કરે છે.
વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક નામપદ અને એક ક્રિયાપદ હોય. વાક્યરચનામાં નામપદ પહેલાં આવે અને ક્રિયાપદ અંતે આવે. આ ક્રિયાપદ નામ તરીકે આવેલી વ્યક્તિ, પદાર્થ વગેરે કઈ પરિસ્થિતિમાં છે તે દર્શાવે છે. નામ જો સ્થિર સ્થિતિમાં છે એમ સૂચવાય તો તેને સ્થિતિ કહે છે. નામની હલન-ચલનની પરિસ્થિતિ સૂચવાય અને તે હલન-ચલન માટે નામ દ્વારા સૂચવાયેલી વ્યક્તિ, પદાર્થ વગેરે ઇરાદાપૂર્વક જવાબદાર ન હોય તો તેને પ્રક્રિયા કહે છે. જો હલન-ચલન સાથે જોડાયેલી વ્યક્તિએ એ હલન-ચલન ઇરાદાપૂર્વક સ્વતંત્ર ઇચ્છાથી કર્યું હોય તો તેને ક્રિયા કહે છે.
નીચેનું વાક્ય વાંચો અને નામપદ-ક્રિયાપદ ક્યાં છે તે જુઓ.
સોમનાથે એમની ડાયરી ખોલી.
ઉપરના વાક્યમાં સોમનાથ, ડાયરી જેવા શબ્દો નામપદ બતાવે છે અને ખોલી એ ક્રિયાપદ બતાવે છે.
જેમ-જેમ વાક્યો તપાસતાં જશો તેમ-તેમ તમને ખબર પડશે કે વાક્યમાં ક્રિયાપદ તો એક જ હોય છે અને નામપદ એક હોય અથવા વધુ પણ હોય. એક સાદા વાક્યમાં એક ઘટના, ક્રિયા અને સ્થિતિ હોય. એની સાથે વ્યક્તિ કે પદાર્થો વધુ હોઈ શકે. 'રમવાની' ક્રિયા હોય તો માણસ એકલો-એકલો રમે અથવા બે કે વધુ માણસો હોય. 'કાપવાની' ક્રિયા હોય તો કાપનાર વ્યક્તિ, કાપનાર પદાર્થ અને કાપવાનું સાધન - પદાર્થ પણ હોય, ખરું ને!
તો હવે, આપણી પાસે વાક્યની રચનાના બે મુખ્ય ઘટકો આવ્યા : નામપદ અને ક્રિયાપદ.
નામપદ
- વ્યક્તિ કે પદાર્થ બતાવે.
- તે ક્રિયાપદની પહેલાં ગોઠવાય.
ક્રિયાપદ
- ઘટના કે સ્થિતિ બતાવે.
- વાક્યને અંતે ગોઠવાય.
વાક્યમાં જેટલાં નામપદો હોય એ સામાન્ય રીતે ક્રિયાપદ પહેલાં આવે. યાદ રાખજો કે વાક્યરચના સમજવાનો આ પાયો છે. એ એક વાર તમને સમજાઈ જાય પછી ક્યાંય ખાસ તકલીફ પડતી નથી.
ક્રિયાપદ અને કાળ વિશે જાણીએ
વાક્યમાં જે પદ ક્રિયા ભતાવે છે તે ક્રિયાપદ.
પંખો ફરે છે. એમાં પંખાની 'ફરવાની' ક્રિયા સૂચવાય છે.
ધૂળ ઊડે છે. એમાં ધૂળની 'ઊડવાની' ક્રિયા બતાવાય છે.
પણ હા ક્યારેક ક્રિયાને બદલે સ્થિતિનું સૂચન જે પદથી થાય તેને પણ ક્રિયાપદ જ કહેવાય.
બારી બંધ છે. એમાં બારીની બંધ હોવાની સ્થિતિ બતાવાય છે.
તે બેઠો છે. એમાં બેસવાની સ્થિતિ સૂચવાય છે.
ટૂંકમાં, ક્રિયા કે સ્થિતિ દેખાડતું પદ એટલે ક્રિયાપદ.
આવા ક્રિયાપદો ત્રણ કાળમાં વપરાય છે. કાળ એટલે સમય. અત્યારે ચાલુ છે તે સમય વર્તમાનકાળ. જે સમય વીતી ગયો છે તે ભૂતકાળ. અને જે સમય હવે પછી આવવાનો છે તે ભવિષ્યકાળ.
1. હું ચોપડી વાંચું છું. ગાય ચરે છે. વરસાદ પડે છે. મોર ટહુકા કરે છે. આ વાક્યોમાં લીટી દોરેલાં ક્રિયાપદથી ક્રિયા અત્યારે થઈ રહી છે એવું બતાવાય છે. એટલે આ વાક્યો વર્તમાનકાળનાં છે એમ કહેવાય.
2. હું ચોપડી વાંચતો હતો. ગાય ચરતી હતી. વરસાદ પડતો હતો. મોર ટહુકા કરતો હતો. આ વાક્યોમાં લીટી દોરેલાં ક્રિયાપદોથી ક્રિયા અગાઉ થઈ હતી એવું બતાવાય છે એટલે આ વાક્યો ભૂતકાળનાં છે એમ કહેવાય.
3. હું ચોપડી વાંચીશ. ગાય ચરશે. વરસાદ પડશે. મોર ટહુકા કરશે. આ વાક્યોમાં લીટી દોરેલાં ક્રિયાપદો હવે પછીથી આવી ક્રિયા બનશે એવું સૂચવે છે એટલે આ વાક્યો ભવિષ્યકાળનાં છે એમ કહેવાય.