ક્રિયાપદમાં પણ બે જાતના શબ્દો આવે છે. ક્રિયાવિશેષણ અને આખ્યાત. જેમ નામનાં આકાર, રંગ, ગુણ વગેરેની વિશેષતા વિશેષણ બતાવે તેમ ક્રિયા કેવી રીતે થઈ તે ક્રિયાવિશેષણ બતાવે છે.
નીચેનાં વાક્યો જુઓ :
1. દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન ઝઝૂમવું પડે છે.
2. પેલું બાળક પણ ધીમું-ધીમું ફૂલડાં ચૂંટતું હતું.
3. બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું.
4. કોણ જાણે ક્ષણમાં શું બનશે?
5. સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું.
આ બધાં વાક્યોમાં લીટી દોરેલા શબ્દો ક્રિયા કે ઘટના કેવી રીતે થઈ છે એ બતાવે છે. વાક્યોમાં ક્રિયાપદ એવું પણ હોય કે જે એકલી ઘટના કે સ્થિતિને બતાવે. જેમકે ‘બાળકે તેને ગોદમાં તેડી લીધું.' - આવી એકલી ક્રિયા, ઘટના કે સ્થિતિને બતાવનાર શબ્દને આખ્યાત કહે છે.
તમે સમજી શકશો કે જે કશું બને છે કે કોઈ કરે છે તે આખ્યાત દ્વારા બતાવાય અને એ કેવી રીતે બને છે કે કેવી રીતે કરે છે, એ ક્રિયાવિશેષણ દ્વારા બતાવાય છે. જેમકે 'બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું.' વાક્યમાં ક્રિયાવિશેષણ આખ્યાત પહેલાં જ આવે. ‘વહાલપૂર્વક તેડી લીધું' એવી રીતે લખાય કે બોલાય, 'તેડી લીધું વહાલપૂર્વક' એવો વાક્યપ્રયોગ સામાન્ય રીતે ન કરાય.
ઘણી વાર ક્રિયાવિશેષણ બે વાર વપરાય છે. એ એનો ખાસ ઉપયોગ છે. નીચેનું વાક્ય વાંચો.
આંધળાં માજી પડ્યાં-પડયાં બૂમો પાડતાં હતાં.
જો આ 'પડયાં' શબ્દ એક જ વાર લખીએ, તો ક્રિયાની રીત સ્પષ્ટ થતી નથી. 'આંધળાં માજી પડ્યાં બૂમો પાડતાં હતાં.' - એવું વાક્ય સાચું નથી. ઘણી વાર ક્રિયાવિશેષણ એટલા માટે બે વાર લખાય છે કે જેને કારણે એમાંથી ‘ખૂબ’, અત્યંત, એવો અર્થ પણ આવે. દાખલા તરીકે, 'બા ઉતાવળી - ઉતાવળી ઘરની બહાર નીકળી.’ ઉતાવળી-ઉતાવળી એટલે 'અત્યંત ઉતાવળથી.'