વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે વસ્તુને સૂચવે તે સંજ્ઞા કહેવાય.
ઝાડ, નદી, પર્વત, સરોવર, પશુ, પંખી, નગર, ગામ, શાળા, ફૂલ
ઉપર આપેલાં નામો (સંજ્ઞા) તે નામથી ઓળખાતા આખા સમૂહને તેમજ તેમાંના દરેકને લાગુ પડે છે. આથી તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય.
સંજ્ઞા વિશે જાણીએ
નામનું મૂળ અંગ એટલે જ સંજ્ઞા. તે શબ્દનો એક પ્રકાર છે. બારી, ઘર, ઝાડ, ખમીસ, મન, ગામ, પહેરણ, વગેરે સંજ્ઞાઓ છે. સંજ્ઞાઓને પોતાનું લિંગ અવશ્ય હોય છે. કેટલીક સંજ્ઞામાં લિંગનો પ્રત્યય દેખાય છે. જેમકે, બારી - સ્ત્રીલિંગ (ઈ), બારણું - નપુંસકલિંગ (ઉં.), દરવાજો - પુલ્લિંગ (ઓ), વાર્તા - સ્ત્રીલિંગ (આ) જ્યારે કેટલીક સંજ્ઞામાં આવા પ્રત્યય દેખાતા નથી, છતાં એમનું લિંગ હોય છે જ. ઉદા: બરફ (પુ.), જમીન (સ્ત્રી.), મકાન (નપું.) લિંગ વિનાની સંજ્ઞા હોતી નથી. જે સંજ્ઞાનું લિંગ દેખાતું ન હોય તે જાણવા માટે કોશનો ઉપયોગ કરી શકાય.
સંશાનું લિંગ જાણવું આવશ્યક હોય છે, કારણ કે એ અન્ય શબ્દો પર અસર કરે છે. ઉદા: ‘નાની બારી ખોલી' આ વાક્યમાં બારી શબ્દ સ્ત્રીલિંગ છે અને એને કારણે 'નાની' અને 'ખોલી' બન્નેમાં 'ઈ' પ્રત્યય આવે છે. 'એમ મીઠું સફરજન ખાધું.' આ વાક્યમાં સફરજન સંજ્ઞા નપુંસકલિંગ છે એને કારણે ‘મીઠું’ અને ‘ખાધું’ શબ્દમાં એનો 'ઉં' પ્રત્યય દેખાય છે. વિશેષણ કે ક્રિયાપદોને પોતાનું લિંગ હોતું નથી, પણ એ સંજ્ઞાનું લિંગ લેતાં હોય છે.
આમ તો સંજ્ઞાના છ પ્રકાર ગણાય છે.
1. વ્યક્તિવાચક સંજ્ઞા : કોઈ ચોક્કસ પદાર્થને દર્શાવવા માટે તેને જે નામ અપાયું હોય તે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. ગામ, સ્થળ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી વગેરેનાં ચોક્કસ નામ આપણે આપ્યાં હોય છે.
ઉદાહરણ : શ્રીકૃષ્ણ, હિમાલય, રમેશ, સાબરમતી, સુરત, રેખા, ગૌરી (ગાય), મોતિયો (કૂતરો) વગેરે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય.
2. જાતિવાચક સંજ્ઞા : કોઈ ચોક્કસ વ્યક્તિ-વસ્તુ-પદાર્થ નહીં, પણ આખા વર્ગને દર્શાવતી સંજ્ઞા જાતિવાચક કહેવાય.
ઉદાહરણ : 'ગાય' એટલે કે ગાયની આખી જાતિ, કોઈ ચોક્કસ (ગૌરી) ગાય નહીં. ‘વિદ્યાર્થી' એટલે તમામ વિદ્યાર્થી, કોઈ ચોક્કસ પરેશ, નરેશ વગેરે વિદ્યાર્થી નહીં.
પર્વત, નદી, ઝાડ, બળદ, ફૂલ, ઘર, શિક્ષક, ફળ વગેરે જાતિવાચક સંજ્ઞા કહેવાય
3. સમૂહવાચક સંજ્ઞા : આખા સમૂહનું સૂચન કરતી સંજ્ઞા સમૂહવાચક કહેવાય.
ઉદાહરણ: ટોળું (માણસોનું), ધણ (ગાયોનું), ઝૂડો (ચાવીનો), ભારી (લાકડાંની), મધપૂડો, જૂથ, સમાજ, વગેરે સમૂહવાચક સંજ્ઞા છે.
4. દ્રવ્યવાચક સંજ્ઞા : વિવિધ પ્રવાહી, અનાજ, ધાતુઓ વગેરે જેવા દ્રવ્યોનું સૂચન કરતી સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા છે.
ઉદાહરણ : તેલ, ઘી, સોનું, ચાંદી, ઘઉં, બાજરી, મકાઈ, ખાંડ જેને ગણી ન શકાય તેવી વસ્તુઓ દ્રવ્યવાચક સંજ્ઞા છે.
5. ભાવવાચક સંજ્ઞા : અમૂર્ત વસ્તુઓને દર્શાવનારી સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા છે.
ઉદાહરણ: અહિંસા, પ્રેમ, નફરત, ક્રોધ, સેવા વગેરે ભાવવાચક સંજ્ઞાનાં ઉદાહરણો છે.
6. ક્રિયાવાચક સંજ્ઞા : ક્રિયાને સૂચવતા નામને ક્રિયાવાચક સંજ્ઞા કહે છે.
ઉદાહરણ : દોડ, ચાલ, ખેંચ