આ વાક્યો વાંચો :
1. મનુભાઈ મોહનભાઈ આવ્યા.
2. મનુભાઈ અને મોહનભાઈ આવ્યા.
3. મનુભાઈ કે મોહનભાઈ આવ્યા.
અહીં પ્રથમ વાક્યમાં મનુભાઈ નામની એક જ વ્યક્તિ આવી છે, મોહનભાઈ તો એના પિતાનું નામ છે. બીજા વાક્યમાં મનુભાઈ અને મોહનભાઈ એમ બંને વ્યક્તિ આવી છે. જ્યારે ત્રીજા વાક્યમાં મનુભાઈ અથવા તો મોહનભાઈ બંનેમાંથી કોઈ એક વ્યક્તિ જ આવી છે એમ સમજાય છે. ટૂંકમાં અહીં 'અને' તથા 'કે' મૂકવાથી વાક્યના અર્થ બદાલય છે. આ બંને શબ્દો વાક્યને જોડનાર તથા અર્થ પ્રગટ કરનાર બની રહે છે. બોલચાલમાં એના જેવા બીજા શબ્દો પણ સહજ રીતે આપણે વાપરતા હોઈએ છીએ. આવા શબ્દો એટલે જ સંયોજકો.
બે પદો, પદસમૂહો કે વાક્યને જોડનાર પદને સંયોજક કહે છે.
નદીના બે કિનારાને જેમ પુલ જોડે છે, એમ સંયોજકનું કામ પદો અને વાક્યોને જોડવાનું છે.
મીનુ અને દનુ કપિલ કે કેના ગોપાલ તથા અનિલ (અહીં બે પદોનું જોડાણ થયું છે.)
શીલુને ઘેર અને રામને ઘેર દીપાના પપ્પા તથા શિલ્પાના પપ્પા (અહીં બે પદ સમૂહોનું જોડાણ થયું છે.)
દાદા આવ્યા અને કાકા આવ્યા. (અહીં બે વાક્યોનું જોડાણ થયું છે.)
સુનીલ રમવા ગયો તથા ધાર્મિક રમવા ગયો. (અહીં બે વાક્યોનું જોડાણ થયું છે.)
ઉપર તમને જ્યાં જ્યાં લીટી કરેલાં પદો દેખાય છે તે સંયોજકો છે. ઉપર 'અને', 'તથા', 'કે'-
આ ત્રણ સંયોજક વિષે ઉદાહરણ આપ્યાં છે. હવે વાક્યોને જોડનાર થોડાં વધારે સંયોજકોનો પરિચય મેળવીએ :
1. હું શાળાએ ગયો પણ સાહેબ રજા પર હતા.
2. રવીન્દ્ર ગયો ખરો પરંતુ હજી આવ્યો નહીં.
3. મારી પાસે છત્રી નહોતી તેથી હું પલળી ગયો.
4. મેં ખીચડી જ ખાધી કારણ કે બહુ ભૂખ નહોતી.
5. શકરી પટલાણીએ શિખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા.
6. તમે સમયસર સૂઈ જજો તો વહેલા જાગી શકશો.
7. તું શહેરમાં જા અથવા ભાઈને ત્યાં મોકલ.
8. તું બહાર જા પણ બત્તી લે તો જજે.
9. આજે દુનિયાનું કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં રૉબોટ કામ કરતા ન હોય.