વાંચો:
પાર્થેશભાઈ ડાહ્યા માણસ છે. પાર્થેશભાઈ શિક્ષક છે. પાર્થેશભાઈનો સ્વભાવ મિતભાષી છે. પાર્થેશભાઈ વાત ઓછી કરે, પણ કામ વધારે કરે. પાર્થેશભાઈને બે બાળકો છે. પાર્થેશભાઈએ બંને બાળકોના ઘડતરમાં ખૂબ કાળજી લીધી છે. પાર્થેશભાઈનું ગામ નાનકડું છે.
આ ફકરામાં 'પાર્થેશભાઈ' નામ વારંવાર વપરાયું છે. ખરું ને ? હવે આ ફકરો વાંચો:
પાર્થેશભાઈ ડાહ્યા માણસ છે. તે શિક્ષક છે. તેમનો સ્વભાવ મિતભાષી છે. તેઓ વાત ઓછી કરે, પણ કામ વધારે કરે છે. તેમને બે બાળકો છે. તેમણે બંને બાળકોના ઘડતરમાં ખૂબ કાળજી લીધી છે. તેમનું ગામ નાનકડું છે.
આ ફકરામાં વારંવાર આવતા પાર્થેશભાઈ 'નામ'ને બદલે 'તે', 'તેમનો', 'તેઓ', 'તેમને', ‘તેમણે', 'તેમનું' શબ્દો વાપર્યા છે. સર્વ ઠેકાણે નામને બદલે જે શબ્દો વપરાય તેને આપણે સર્વનામ કહીએ છીએ. સર્વનામનો ઉપયોગ કરવાથી વાક્ય સ્પષ્ટ, સરળ અને ટૂંકું બને છે; વળી, વાંચવામાં પણ કંટાળો આવતો નથી. હું, તું, તે, તેઓ, મેં, મને, મારું, આ, પેલું વગરે સર્વનામો છે. વળી એમના કાર્યને આધારે તેના ઘણા પ્રકાર પણ પડે છે. જેમ કે,
1. પુરુષવાચક સર્વનામ :- હું-અમે, તું-તમે, તે-તેઓ, મેં, મને, અમને, તમને, તેને, તેઓને, આપ, આપને, આપણે વગેરે.
2. પ્રશ્નવાચક સર્વનામ :- જે સર્વનામ પ્રશ્નવાક્ય બનાવે તે પ્રશ્નવાચક સર્વનામ, જેમ કે, ક્યાં, ક્યારે, ક્યાંથી, કેવો, કેટલો શો, શી,શું વગેરે.
3. દર્શક સર્વનામ :- વ્યક્તિ કે પદાર્થને બતાવવાનું કામ કરે તે. જેમ કે, આ, પેલું, પેલા, પેલી, પેલો, પેલા વગેરે.
4. સંબંધવાચક સર્વનામ :- એક બીજાની અપેક્ષાએ એક વાક્યમાં અલગ અલગ સ્થાને (જોડીમાં) વપરાય છે તે. જેમ કે, જ્યારે-ત્યારે, જેમણે-તેમણે, જે-તે, જેને-તેને વગેરે. જ્યારે ભાઈ આવશે ત્યારે અમે સાથે આવીશું.
5. અનિશ્ચિત સર્વનામ :- જેનાથી કોઈ પ્રાણી, પદાર્થ, વસ્તુ નક્કી ન થાય તેવું. જેમ કે, કોઈ, કોઈક, ફલાણું, કેટલુંક, બધાં, અમુક, દરેક વગેરે.
6. સ્વવાચક સર્વનામ :- સ્વ(પોતાના) માટે જ વપરાય તે. જેમ કે, પોતે, જાતે, પંડે, ખુદ, નિજ વગેરે.