કોઈ પણ વિચારને વિસ્તારથી સમજાવવો એટલે વિચાર-વિસ્તાર. તેને અર્થવિસ્તાર પણ કહેવાય છે. કોઈ પંક્તિ જ એવી હોય કે એમાં ઓછા શબ્દોમાં ઘણું જ કહેવાયું હોય છે. એમાં રહેલો અર્થ કે વિચાર પકડીને તેને ઉદાહરણો, કાવ્યપંક્તિઓ અને દલીલો વડે સમજાવવાનું કામ આમાં કરવાનું હોય છે. લખતી વખતે વાક્યો સરળ, અર્થસભર અને શુદ્ધ રીતે લખાયેલાં હોવાં જોઈએ. એમાં સામાન્ય રીતે ત્રણ વિભાગ હોય છે :
1. આખા વિચારનું બે-ત્રણ વાક્યમાં અર્થઘટન.
2. એમાં રહેલા વિચારનું દાખલા, દલીલો, પંક્તિઓ સાથે સ્પષ્ટીકરણ.
3. અંતે એમાં પ્રાપ્ત થતી શીખ કે બોધ.
વિચાર-વિસ્તાર માટે આપેલી પંક્તિ ગદ્ય કે પદ્યની હોય છે. ચાલો આપણે એક નમૂનો જોઈએ :
આજ કરશું કાલ કરશું, લંબાવો નહીં. દહાડા;
વિચાર કરતાં વિઘ્નો વચમાં, મોટાં આવે આડાં.
આ પંક્તિમાં ભાગે આવેલું કામ સમયસર કરવાની શીખ આપવામાં આવી છે. કામને ઠેલવાથી કે મોડું કરવાથી વચ્ચે કેટલીક મુશ્કેલીઓ આવી પડે છે.
આપણે સારું કામ કરવામાં ક્યારેય વિલંબ કરવો જોઈએ નહીં. કોઈ કામને કારણ વગર કાલ ઉપર શા માટે છોડવું? આજે જ કરવાનું હોય તે કામમાં આજે જ લાગી જવું. ક્યારેક એવું બને કે થોડું મોડું કરીએ અને કંઈક વિઘ્ન આવીને ઊભું રહે. ‘સારા કામમાં સો વિઘ્ન આવે’—એવું કંઈ અમસ્તું નથી કીધું! ક્યારેક તો આખું કામ જ અટકી જાય એવું પણ બને. એટલે જ અનુભવી લોકો કહે છે, ‘આજ નહિ, અભી કામ કર લો’. આજે કરીએ કે કાલે કરીએ શો ફેર પડે? દિવસો વિતાવવા નહીં, આળસ કરવી નહીં. કામ કરવાનું શરૂ કરી દેવું જોઈએ.
આમ, આ પંક્તિમાં માત્ર વિચાર જ કર્યા કરવાને બદલે સમયસર કામ ચાલુ કરી દેવાની વાત આપણને સમજાવવામાં આવી છે.