તમે જ્યારે કંઈક વાંચો છો ત્યારે કેટલુંક જલદી જલદી સમજાઈ જાય તેવું હોય છે. પણ કેટલુંક સમજવામાં થોડુંક અઘરું લાગે છે. આવું કેમ થતું હશે? આપણે ઉદાહરણો દ્વારા એને સમજીએ: આ વાક્યોને વાંચો. 1. અમદાવાદ મોટું શહેર છે. (સાદું-સરળ વાક્ય) 2. હું કાલે વાડીએ જઈશ અને બાપુજી શિબિરમાં જશે. (સંયુક્ત વાક્ય) 3. લાડુ વગર એકે સોમવાર ખાલી ન જવા દેનાર દેવશંકર માટે આ સોળ અઠવાડિયાં વગર લાડુએ ખેંચી કાઢવાં એ જેવીતેવી વાત ન હતી. (મિશ્ર-સંકુલ વાક્ય) ઉપરનાં ત્રણેય વાક્યો વાંચતાં સમજાયું હશે કે, પહેલું વાક્ય સાવ સરળ છે. કારણ કે એમાં એક જ ક્રિયાપદ અને ઉદેશ (અમદાવાદ) કે વિધેય (મોટું શહેર) છે. બીજું વાક્ય ખરેખર તો બે વાક્યો ભેગાં કરીને, સંયોજક મૂકીને વાક્ય બનાવ્યું છે. એમાં એકથી વધારે ઉદ્દેશ (હું અને બાપુજી) અને વિધેય (વાડીએ અને શિબિરમાં) હોય છે. જ્યારે ત્રીજા વાક્યમાં બેથી વધારે વાક્યો એકબીજામાં ગૂંથીને એક મોટું અને જલદી ન સમજાય એવું વાક્ય બનાવ્યું છે. આવા પ્રકારની જુદી જુદી વાક્યરચનાના આધારે વાક્યના ત્રણ પ્રકાર પાડી શકાય છે. 1. સાદું વાક્ય (સરળ વાક્ય): એમાં સામાન્ય રીતે એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ્ય - વિધેય હોય છે. રતનપ...